Thursday, August 23, 2012

. Gatha 41 page 175 2nd para thru page 176 2nd para


જેમ મિત્રાદ્રષ્ટિમાં યમ નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે તેમ તારાદ્રષ્ટિમાં નિયમ નામનું યોગનું બીજુ અંગ પ્રાપ્ત થાય છે. યમ એટલે યાવજ્જીવ સુધીનું વ્રત જે મુની માટે અહિંસા આદિ મૂળગુણ રૂપ પાંચ મહાવ્રત અને શ્રાવકને દેશથી તથા તેના ચાર ભેદ- ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ થઇ કુલ ૨૦ પ્રકારે છે. જેમ જેમ યોગમાર્ગનો રંગ લાગે છે, અધ્યાત્મદ્રષ્ટિનો વિકાસ થાય છે, યમપાલનનો રાગ વધે છે તેમ તેમ તારાદ્રષ્ટિમાં આ યમ તો વધારે મજબૂત થાયજ છે પણ તેની પૃષ્ટિ, વૃદ્ધિ અને રક્ષા માટે યથાશક્તિ અને યથાયોગ્યાકાળે નાના-મોટા નિયમ લે છે. મનને નિયમન કરે (કંટ્રોલ) તેને નિયમ કહેવાય જે પરિમિત કાળ માટે હોય. જૈનદર્શનમાં સાધુમુની માટે પિંડવિશુદ્ધિ અને શ્રાવકમાટે દિગપરીમાણ આદિ ઉત્તરગુણ રૂપ નિયમ હોય છે. પાતંજલ યોગદર્શનમાં પાંચ નિયમો કહ્યા છે ૧) શૌચ ૨) સંતોષ ૩) તપ ૪) સ્વાધ્યાય ૫) ઈશ્વરપ્રણિધાન અને તેના ઈચ્છાદિ ચાર ભેદ એમ કુળ ૨૦ નિયમ છે.
શૌચ - બે પ્રકારે- દ્રવ્ય અને ભાવ શૌચ.
૧) દ્રવ્ય શૌચ -જેમ કાયા, વસ્ત્ર, ઘર, ને પાત્રને જળ, સાબુ આદિ થી સાફ કરીએ તે દ્રવ્ય શૌચ. તે પરિમિત કાળમાટેજ શુદ્ધ રહે કારણ કે તે ફરીથી મલીન થવાનાજ, એ તેનો સ્વભાવ જ છે. ગમે એટલીવાર કાયાને સાફ કરીએ તોય મળ, મૂત્ર, લોહી આદિ અશુચિના પુદગલો અંદર ભરેલા હોવાથી ક્યારેય મૂળથી સ્વચ્છ થાશે નહિ જેમ કે ઉકરડો કદાપી સાફ થાય નહિ, તે શુદ્ધતા માટે અયોગ્ય છે. એટલેજ જૈન સાધુઓને દ્રવ્યશૌચ ઇષ્ટ નથી. તેમાં અપકાયની હિંસા છે તેથી શરીર શોભામાટે સ્નાન કરતા નથી. વસ્ત્ર ધોવણ પણ અલ્પમાત્રાએ પ્રયોજન પુરતુ જ કરે, તે પણ અચીત્ત જળથી, જેથી પરસેવાથી જીવોની ઉત્પત્તિ ન થાય.
૨) ભાવ શૌચ - એટલે આત્માને શુદ્ધ કરવો તે ભાવ શૌચ - આત્મા પોતાના જ્ઞાનગુણ આદિ સ્વભાવદશા ની શુદ્ધતા છોડીને જ્યારે પરદ્રવ્યો પર મોહિત થઇ પુદગલાનંદી થાય તો તે અશુદ્ધ, અપવિત્ર અને અશૌચ થાય, પુદગલની પ્રાપ્તિ અને ભોગવવામાં પણ હિંસા થાય. તેથી આત્માને પરદ્રવ્યોની પરિણતિથી દુર રાખવો, કરવો, છોડાવવો તે ભાવ શૌચ છે.

જીનઆજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ !

Saturday, August 18, 2012

૭/૧૮/૧૨ બુધવાર. ગાથા ૪૨ તારા દૃષ્ટિના બીજા ગુણો

તારા દ્રષ્ટિમાં બીજા જે ગુણો નો સમૂહ પ્રગટ થાય છે તે હવે જોઈએ.
ગાથાર્થ: આ દ્રષ્ટિમાં
૧) યોગકથાઓ પ્રત્યે અસ્ખલિત ( અચલ, બિનહરકતી) પ્રીતિ થાય છે
આ પ્રીતિ ભાવ પૂર્વકની પરમ પ્રીતિ હોય છે.
૨)શુદ્ધ યોગવાળા યોગીઓ ઉપર બહુમાન (આદર, સન્માન) પ્રગટે છે.
શુદ્ધ યોગવાળા યોગીઓ એટલે એવા ઉચીં કક્ષાના આત્મા કે જેનામાં યોગદશાનો વિકાસ થયો છે એવા નિર્મળ યોગીઓ


જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.

Thursday, August 16, 2012

૬/૨૭/૧૨ બુધવાર ગાથા ૪૧ તારા દૃષ્ટિ

તારા દ્રષ્ટિના મુખ્ય ચાર લક્ષણ છે.
૧) મિત્રા દૃષ્ટિ કરતા થોડો વધારે સ્પષ્ટ બોધ (દર્શન).
આ બોધ છાણા(ગોમય)ના અગ્નિ કણ સમાન હોય છે એટલે કે બહુ જ ઓછી શક્તિ વાળો અને ટૂંકો સમય ટકનાર હોય છે. આ દ્રષ્ટિકાળે જ્ઞાન બહુ જ તેજ વગરનું અને દુર્બળ હોય છે. વિષય કષાયો નું જોર હજી ચાલુ જ હોય છે. પરંતું મુક્તિ પ્રત્યે થોડો અદ્વેષ
આવ્યો છે એટલે તત્વજ્ઞાન ધર્મ ક્રિયા વગેરે કરે છે. પરંતું હજી વિષય કષાયો છોડવાની બુદ્ધિ જાગૃત થઇ નથી અને રાગાદિ એ આદરવા યોગ્ય છે તે બુદ્ધિ નાશ થઇ નથી તેથી ધર્મ ક્રિયા સમયે પણ તારા દ્રષ્ટિનો બોધ બહુ કામ કરાતો નથી. આ બોધના સંસ્કાર હજી ગાઢ થયાનાથી અને એટલે તારા દૃષ્ટિ ન કાળે થતી ધર્મક્રિયા ભાવ ક્રિયા નથી હોતી પરંતું દ્રવ્ય ક્રિયા જ હોય છે. પરંતું બધી જ ક્રિયા વિધિસર કરે છે.
હવે બીજા ત્રણ લક્ષણ જેની વધારે વિગત આ પછીના બ્લોગ માં આવશે.
૨) બોધ પ્રમાણે ના યથા યોગ્ય નિયમ
૩) (આત્માને) હિતકારી કાર્યોમાં અનુદવેગ
૪) તત્વ જાણવાના વિષયવાળી જીજ્ઞાસા

જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોય તો મિચ્છામી દુક્કડમ.

Wednesday, May 9, 2012


ગાથા  ૨૪,  પાના # ૧૧૫-૧૧૭.               સ્વાધ્યાય  તારીખ  ૧૧.૨.૨૦૧૧.

સંશુદ્ધ કુશલ  ચિત્તાદી  યોગબીજ  આવવાથી  જીવ  ચર્માંવર્ત કાળમાં  પ્રવેશે  છે .  અચર્માંવર્તમાં  જીવને  સંશુધ્ધ યોગબીજ  હોતું  જ  નથી.

ચર્માંવર્ત નો  પ્રારંભનો  બહુ ભાગ ગયે આવનાર  સંશુધ્ધ  કુશલ ચિત્ત  - પરમાત્મા  પ્રત્યે  અત્યંત  ઉપાદેય  બુદ્ધિ વાળું  એટલે  સર્વજ્ઞ વીતરાગ  પરમાત્મા  જ  આ સંસારમાં  આદરવા, ભક્તિ, ઉપાસના  કરવા  યોગ્ય  છે  એવો  દ્રઢ  રાગ  થાય   છે.  સંસારના  બધા  પદાર્થો   ગૌણ  થય જાય છે  અને  પરમાત્મા પ્રત્યે  તીવ્ર  લગની  લાગે  છે.

ગાથા  ૨૫, પાના # ૧૨૦-૧૨૨./ ૧૨૨-૧૨૩.             સ્વાધ્યાય  તારીખ   ૧૧.૧૫.૨૦૧૧ / ૧૧.૧૬.૨૦૧૧.

દશ સંજ્ઞા  - આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન,  માયા, લોભ, ઓઘ, લોક  - અટકાયત  કરવા  પૂર્વકનું  કુશલ ચિત્ત  સંશુધ્ધ  કહેવાઈ  છે  .  આ  અટકાયત  સંશુધ્ધ  ચિત્ત નું  બીજું  લક્ષન  છે.  સંજ્ઞાઓ  મોહનીય  કર્મના  વિપાકોદયના  કારણે  છે. મોહનીયનો  ક્ષયોપ્શમ  કરવાથી  સંજ્ઞાઓનો  ઉદય  મંદ  હોય  છે. અહી સંપૂર્ણ  પરીશુધ્ધી ના  અભાવે  જીવ  પુણ્ય કર્મ બાંધે છે.

સંસારના  સુખો ના  ફળની  અપેક્ષા  વિનાનું  કુશલ ચિત્ત  એ  ત્રીજું  સંશુધ્ધ  યોગબીજ  છે. 

ધર્મ કાર્ય  સંસારિક  સુખોની  ઈચ્છાથી  કરાય  તે  નિયાણું  કહેવાય .  અને  ભગવાને  નિયાણું  કરવાનો  નિષેધ  કર્યો  છે.

સંશુધ્ધ ના  બીજા  લક્ષન માં  પરિગ્રહ, લોભ નો  વિષ્કંભ  કહ્યો  તે વર્તમાન ભવની અંદર ભાવિના  સંસારિક  સુખના  ફળને  આશ્રયી  છે  જયારે  ત્રીજા  લક્ષનમાં  વર્તમાન ભવથી  અન્યભવ સંબંધી  સુખના  ફળને  આશ્રયી  છે.

દરેક  ધર્મ કાર્ય ( dharmanusthan)   સુંદર  છે  પરંતુ  તેમાં  સંસારસુખની  ઈચ્છા  ભરી  હોય  તો તે  મુક્તિમાં  અડચણ  ઉભી  કરે છે  ત્યારે તે  તેનાથી  બંધાયેલ  પુણ્ય  દ્વારા  થતા  સંસારિક -સુખો  તીવ્ર  આસક્તિ  ઉત્પન્ન કરનાર થાય  છે  અને વીતરાગ ભાવ ને રોકનાર  બને  છે. વળી  ધર્મ કાર્ય   સંસાર સુખના  માટે  નહિ  પણ  ધર્મ કાર્ય ની  આસક્તિ થી  સેવાય  તો તે  આસક્તિ  આત્મ ને   ત્યાને  ત્યાજ   બાંધી  રાખે  છે  અને  આત્માના  આગળ  જવાના વિકાસને  રોકે  છે. જેમકે  શ્રી ગૌતમસ્વામીને  પ્રભુ  પ્રત્યેનો  રાગ  તેમને વીતરાગતા  મેળવવામાં  બાધક  બન્યો. માટે ધર્મ ક્રિયાનો  રાગ  શરૂઆતના  ગુણસ્થાનક માં  સહાયક  છે  પરંતુ  આઠમાં  આદિ  ઉપરના  ગુનસ્થાનકમાં  જવા  માટે  આ  પ્રશસ્ત  રાગ  પણ  બાધક  છે. એટલે  ધર્મ કાર્ય  કોઇપણ  પ્રતિબંધ વિનાનું   હોય તો જ  તે મુક્તિ પ્રાપક   બને  છે.

સાચું યોગ બીજ  - અત્યંત ઉપાદેય બુદ્ધિ વાળું  મોહ્જન્ય  દશવિધ  સંજ્ઞા ના  વિશ્કામ્ભાન વાળું  , ઉભય ભવના  સંસારસુખના  ફળની  ઈચ્છા રહિત  તથા  તે તે ધર્મ કાર્યની  પોતાની  પણ  આસક્તિ  વિનાનું  કુશલચિત  તે સાચું યોગબીજ  અને  તેમાં અન્કુરા પુરુષાર્થ થી  ફૂટી  શકે  છે  અને  મુક્તિ ફળ  અપાવી  શકે  છે.


અજ્ઞાન  કે  પ્રમાદથી   ભગવાન ની  આજ્ઞા  વિરુદ્ધ  લખાયી  ગયું  હોય  તો  મિચ્છામી  દુક્કડમ .
  





ગાથા ૨૪,  પાના # ૧૧૪,૧૧૫
.                     સ્વાધ્યાય  નોવ. ૧, ૨૦૧૧.

ચરમાંવર્તમાં યોગબીજ ની  પ્રાપ્તિ. 

સંસારમાં  ઔદારિક, વૈક્રિય, અહારક, તૈજસ, ભાષા, શ્વાસો શ્વાસ , મન  અને  કર્માણ - આઠ  જાતની ગ્રાહ્ય  અને  અગ્રાહ્ય  અનંતી  અનંતી  પુદગલ પરમાનુંઓના સ્કાન્ધોની  વર્ગનાઓ ભરેલી છે. જીવ  પ્રત્યેક  ભવમાં  સંસારી  જીવન જીવવા  માટે  ઉપરોક્ત  વર્ગનાઓના  પુદગલો  જરૂરીયાત  મુજબ  ગ્રહણ  કરે  છે  અને  જરૂરીયાત  પૂરી  થતા  ત્યાગ (મોચન)  કરે છે.એક  જીવ  જયારે સમસ્ત ચૌદ રાજલોક  પ્રમાણ  લોકાકાશ માં  રહેલી  આઠે  વર્ગનમય સંપૂર્ણ  પુદાગલાસ્તીકાય  દ્રવ્યને  જુદા-જુદા પ્રયોજનથી  ગ્રહણ-મોચન  કરતા જેટલો  કાળ જાય  તેટલા કાળનું   નામ  બાદરદ્રવ્ય  પુદગલ પરાવર્તન  કહેવાય  છે.  જે  અનંત  ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ  છે.

આ જ  સમસ્ત  પુદગલાસ્તીકાય નું   ગ્રહણ  અને મોચન   આહારક  વિના  સાતમાંથી  કોઇપણ  એકરૂપે  થાય  અને  તેમાં જેટલો  કાળ  લાગે  તે  સુક્ષ્મદ્રવ્ય પુદગલ  પરાવર્ત  કહેવાય   છે. સુક્ષ્મ પુદગલ  પરાવર્તન  કરતી વખતે  જે   વિવક્ષિત  એકરૂપે  પુદગલ ગ્રહણ  કરવાની વિવક્ષા  કરી  હોય, તેમાં  તે એક સિવાય  શેષ  રૂપે  પુદગલોનું  ગ્રહણ થવા છતાં  તેની  ગણના  કરાતી  નથી.  તે પુદગલોને  ફરીથી  વિવક્ષિત  એકરૂપે જ ગ્રહણ કરવા પડે છે . તેથી  બાદર  કરતા  સુક્ષ્મ માં  અનંતગુન કાળ  લાગે  છે. આ જ  પ્રમાણે  બાદર  અને  સુક્ષમ ક્ષેત્ર, કાળ, ભાવ  પુદગલપરાવર્તન છે  ( કુલ  આઠ  પ્રકારના  પુદગલ  પરાવર્ત ) . ચરમાંવર્ત માં  સુક્ષ્મ ક્ષેત્ર  પુદગલ પરાવર્ત  લેવાનું  છે. ચૌદ રાજલોક  વ્યાપી  સમસ્ત  લોકાકાશ ના  સર્વ  પ્રદેશોને  ક્રમશઃ મરણ વડે  સ્પર્શ કરતા  જેટલો કાળ  થાય  તેટલા  કાળનું  નામ  સુક્ષ્મ ક્ષેત્ર પુદગલ  પરાવર્ત  કહેવાય  છે.

જીવની  સંસારમાંથી  નીકળી  મુક્તિએ  જવાની  યોગ્યતા  પાકે  (તથાભવ્યત્વ ) ત્યારે  થતું  જે છેલ્લું  પુદગલ પરાવર્ત  તે  ચરમ પુદગલ પરાવર્ત  કહેવાય   છે.  અહી  મિથ્યાત્વની તીવ્રતા  ઓછી  થઇ  છે  અને પરમાર્થ પદની  પ્રાપ્તિ નું  પહેલું  સોપાન  છે. 


અજ્ઞાન થી   કે  પ્રમાદ થી  ભગવાન ની  આજ્ઞા  વિરુદ્ધ  લખાયી  ગયું  હોય  તો  મિચ્છામી  દુક્કડમ .

Thursday, May 3, 2012

9/14/11 whole gatha20 page #.102,103,104

સ્થિરાદિ પાછળની ચાર દ્રષ્ટિ અપ્રતિપાતી અને નિરપાય છે તો એક પ્રશ્ન એવો થાય છે કે આવા જીવ મુક્તિ પામતા સુધીમાં દેવ, મનુષ્યના અનેક ભવ કરી અપાય સંસારસુખના રાગથી ચારિત્રભાવમાં અવિરત થવાથી ચારિત્રનો વિઘાત, નાશ (પ્રતિપાત)થાય છે તો કેમ એ ચાર દ્રષ્ટિને અપ્રતિપાતિ અને નિરપાય કેહવાય?
જવાબમા એક દાખલો આપે છે કે એક પુરુષ પોતાના ગામથી ઘણુ દૂર કાન્યકુબ્જ નગર તરફ પ્રયાણ કરે છે. વચ્ચે ૪-૫ સ્થળે રાત્રે વિશ્રામ માટે સ્થિર વસવાટ કરે,શયનક્રિયા કરે, અલ્પ નિદ્રા લે, સવારે ઉઠી શારીરિક પરિશ્રમ દૂર થવાથી વેગપૂર્વક પ્રસન્નાથી નવું પ્રયાણ ફરી શરુ કરી કાન્યકુબ્જ અવશ્ય પહોચે. આ વિશ્રામો પ્રયાણમા ભંગ કરતા નથી પણ ગતિના વેગ વધારે છે.
તેમજ સ્થિરાદિદ્રષ્ટિઓ આવ્યા બાદ સમ્યગ્દર્શન વાળુ ચારિત્રગુણ પામેલા આત્માર્થી મહાયોગીનું દિન-પ્રતિદિન મુક્તિ તરફનું પ્રયાણ ચાલુજ છે, માત્ર પુર્વબદ્ધ કર્મોનો ઉદય ભોગવવાનો બાકી રહ્યો હોય તે ભોગવીને ખલાસ કરવા માટેજ વચ્ચે દેવ -મનુષ્યના ભવો અધિક સંસારી,દૈવિક સુખ હોવા છતા અલિપ્ત રાખે તેવા કરે. જેથી થાક ઉતારવાની જેમ ઔદાયિક ભોગકાલ પૂર્ણ થતાજ પુન: ચારિત્રમાર્ગ સ્વીકારી વેગપૂર્વક મુક્તિનગર તરફનું પ્રયાણ અભગ્ન, અવિરતપણે, અખંડિત ચાલુજ રહે છે, ભાંગતું નથી. અભંજક છે.(યશોવિજયજી મ। યોગ્દ્રષ્ટિની સજ્જાયમાં સમજાવે છે.)
અંતે પૂર્ણપણે વિકાસ પામેલા આત્માવસ્થાના અનુભવરૂપ મુક્તિનગર પહોચે છે. એટલે દેવભવની પ્રાપ્તિથી થયેલો ચારિત્ર નો વિઘાત એ મુક્તિપ્રયાણનો ભંગ ન થવાના કારણે રસ્તો કાપતા રાત્રી આવે ત્યાં વિશ્રામ લેવા તુલ્ય (નિદ્રાતુલ્ય) છે. તેથી આ ચાર દ્રષ્ટિ અપ્રતિપાતિ અને નીરપાય પણ કહેવાય છે.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયું હોય તો વિભાના મિચ્છામી દુક્કડમ.

Wednesday, May 2, 2012

3/14/12 Wed ગાથા ૩૫ પાના નં ૧૫૯ છેલ્લો ફકરો - નં ૧૬૦ અંત સુધી

આનંદઘનજી મહારાજ વિમલનાથના સ્તવનમાં કહે છે કે સદગુરુ દિવ્યજ્ઞાન રૂપી આંજણ આપણી આંખમાં આંજીને આપણી આત્મા તરફ જોવાની દ્રષ્ટિ ખોલે છે જેથી આપણાજ આત્મામા રહેલા અનંતજ્ઞાન, અનંત સુખ આદિ પરમનિધાન દેખાય અને સંસારસુખ તરફ દ્દ્રષ્ટિ ઓછી થાય.
જગધણી પરમાત્માનો મહિમા આપણા હૃદયના નયનમા ઉતારી દઇ તેમને પ્રીતિ ભક્તિની દ્રષ્ટિ થી જોતા કરીને આપણા આત્માર્થ નો ઉત્સાહ વધારે. આવા સદગુરૂનો મહિમા પણ ભગવાનની જેમ ઘણો મોટો મેરુ પર્વત સમાન છે જે આપણને તત્વનો સાચો અર્થ સમજાવી એની પણ પ્રીતિ કરાવીને જિનવાણીનું પાણી પીવડાવી બધા ભ્રમો ભાંગી કાઢે.
પરંતુ આવા સદગુરુનો યોગ અને એમની સદગુરુ તરીકેની ઓળખાણ ક્યારે થાય?
જ્યારે મોહનીય ઘાતીકર્મનો ક્ષયોપશમ થાય, આત્માની મલીનતા મંદ પડે, ભાવમલ અલ્પ થાય ત્યારે ભાવપુણ્યના નિમિત્તે આવા સદગુરુનો સમાગમ થાય.
જેમ રત્ન ઉપરનો મેલ(પર-દ્રવ્ય ) દૂર કરવાથી સ્વયં એનો ચળકાટ આપોઆપ ઝળહળી ઉઠે છે(કોઈ બીજા પ્રયત્ન વગર) તેમ જ આત્મા ઉપરનો અનાદીકાળનો અજ્ઞાનજન્ય ને મોહજન્ય(રાગાદિ કશાય ) મેલ જે પરાયો છે તે દૂર થતાજ આત્માની પરમાર્થ સાધવાની યોગ્યતા રૂપ કાંતિ (સ્વ-દ્રવ્ય) આપોઆપ ઝળહળી ઉઠે. દ્રષ્ટિનો પ્રકાશ વધારે ને વધારે ખીલી ઉઠે. આત્મા નિર્મળ બને અને પરમાર્થ સાધવાની યોગ્યતા, પાત્રતા પ્રગટે અને લોહચુંબક થી લોઢુ ખેચાય તેમ ભાવપુણ્ય વધવાથી ઉત્તમ નિમિત્તોનો સંયોગ ખેચાતા આવે ત્યાર સદગુરૂનો શુભ યોગ થાય. તેમને સતત વારંવાર સત્પ્રણામાદિ કરવાથી તેઓની નિકટ થવાથી ઓળખાણ થાય છે. પછી બહુમાન,પૂજ્યભાવ વધતા સદગુરુપણ।ની બુદ્ધિ થતા અવંચકત્રયની પ્રાપ્તિ થાય છે જેના કારણે શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. એમ પરસ્પર કારણ - કાર્યભાવ જાણવો.
જીન આજ્ઞા વિરુદ્ધ કઈ લખાયુ હોય તો વિભાના મિચ્છામીદુક્કડમ.