Tuesday, October 18, 2011

10/18/2011 (Tuesday) Gatha 23 page 110-111

૧૦/૧૮/૨૦૧૧ ગાથા ૨૩— યોગનાં બીજ

  • બીજું યોગબીજ (નમસ્કાર): હ્રદયના ભરપૂર પૂજ્યભાવ-ભક્તિભાવ અને મનના અદમ્ય ઉત્સાહથી થતી સ્તુતિ-પ્રાર્થના અને ગુણગાન કરવા રુપ અભૂતપૂર્વ વચનોચ્ચાર કરવા પૂર્વક કરાતું શીર્ષનમન, તે નમસ્કાર. જેના પ્રત્યે દ્વેષ ટળ્યો, હ્રદયમાં પ્રીતિ-ભક્તિ-બહુમાન જન્મ્યું, તેમના ગુણગાન સહજભાવે આવી જ જાય છે. શુભભાવના યુક્ત મનોયોગથી પ્રેરાયેલો એવો આ શુભ ’વચનયોગ’ છે.
  • ત્રીજું યોગબીજ (પંચાંગ પ્રણામ): હ્રદયમાં ઘણોજ બહુમાનનો ભાવ અને ગુણસ્તુતિ ગાતાં-ગાતાં, બે હાથ, બે ઢીંચણ, અને મસ્તક, એમ પાંચે અંગો ભૂમિને સ્પર્શાવવાથી પ્રણામ કરવો. ’સંશુદ્ધ’ પ્રણામ વિશેષણમાં ’અસંશુદ્ધ’ નો વ્યવચ્છેદ માટે છે, કારણકે: મોહઘેલો ભક્તિભાવશૂન્ય, સંસારસુખપોષક, લજ્જાથી, માનમોભાથી, પ્રતિષ્ઠાની બુદ્ધિથી, સુખની લાલસાથી પ્રણામાદિ ઘણીવાર કર્યા છે – તે બધા પ્રણામાદિ સામાન્યથી યથાપ્રવ્રુતિકરણ માત્ર સ્વરુપ છે. સ્મશાનીય વૈરાગ્ય તુલ્ય, ક્ષણજીવી અને આત્માની સાથી અસ્પર્શી છે. આવું યથાપ્રવ્રુતિકરણ તો અભવ્યોને ઘણીવાર અને ભવ્યજીવોને પણ અચરમાવર્તમાં ઘણીવાર આવે છે. તે કંઇ તેજસ્વી નથી, તેથી તેમાંથી યોગમાર્ગે પ્રગટ થતો નથી. આ કારણે આ અસંશુદ્ધપ્રણામાદિ જે છે તે યોગબીજ બનતું નથી. આ પંચાંગ પ્રણામ સંશુદ્ધ રીતે કરાય તે કાયશુદ્ધિરુપ ’કાયયોગ’ છે.
  • કુશલચિત્ત – પ્રથમ યોગબીજ મનની શુદ્ધિરુપ છે
  • ગુણગાનાત્મક વચનોચ્ચાર – બીજું યોગબીજ એ વચનની શુદ્ધિ રુપ છે
  • પંચાંગ પ્રાણામાત્મક – ત્રીજું યોગબીજ એ કાયાની શુદ્ધિરુપ છે
  • વીતરાગ પરમાત્માની મન-વચન-કાયાથી પ્રીતિ-ભક્તિ-સ્તવના-ગુણગાન કરવા અને ભાવપૂર્વક પ્રણામ કરવા એ મોક્ષપ્રાસાદ ઉપર ચડવાનું પ્રથમ પગથીયું છે તથા યોગમાર્ગની પ્રાપ્તિરુપ વ્રુક્ષારોપણનું બીજ છે. પ્રભુની ભક્તિ એ મુક્તિ-સ્ત્રીની પ્રાપ્તિ કરાવવામાં વચ્ચે કામ કરતી એવી દૂતી (સખી) સમાન છે.

Tuesday, October 4, 2011

10/04/2011 (Tuesday) Page 108,109 Gatha 22


મીત્રાદ્રષ્ટિ માં રહેલો આત્મા મોક્ષ ના અવન્દ્ય(નિષ્ફળતા વિનાનું) કારણ બને એવા પ્રકાર ના યોગના બીજો પ્રાપ્ત થઇ છે.

· યોગ ના બીજો ગાથા ૨૩ માં બતાવેલા છે.

· ચિત રૂપી ભૂમિ માં બીજ વવાય છે, કે જેમાંથી સત્શાત્ર-સદગુરૂ અને તેઓની શ્રદ્ધારૂપી ખાતર, પાણી, પવન વગેરે મળતા "મોક્ષમાર્ગ ની પ્રાપ્તિ" રૂપ યોગાત્મક મહાવૃક્ષ ઉગી નીકળે છે, તેમાંથી કાલાંતરે અવશ્ય મોક્ષરૂપી ફળ ની પ્રાપ્તિ થઇ છે. રીતે બીજ મુક્તિ નું અવન્દ્ય કારણ બને છે.

· સારાંશ કે યોગબીજ વાવવાથી યોગાત્મક વૃક્ષ થઇ છે, અને યોગાત્મક વૃક્ષથી મુક્તીરૂપ ફળની પ્રાપ્તિ થઇ છે.

· યોગબીજ ના ગ્રહણ થી જીવ બાધક ભાવો ને ત્યજી, સાધક્ભાવો ને ધારણ કરે છે, ભાવાભીનંદી હતો, તે માંથી આત્માર્થ ના આનંદ ને માનનાર બને છે.

· દ્રષ્ટિ અંધ હતી, તેમાંથી અંશમાત્ર ખુલે છે, હજુ બહુ ખુલી નથી, પણ કંઈક ખુલી છે તેનો આનંદ છે.

· યોગબીજ થી જન્મ બદલાઈ જાય છે,

· વિશાય્સુખો થારફ ઉદાસીનતા આવી જાય છે.

· સમ્યગશાસ્ત્ર, સમ્યગ શ્રદ્ધા, સદગુરૂ ના સંયોગ ની રઢ લાગે છે અને કાલાંતરે જ્ઞાનપાન કરતા જીવ સંસારસાગર તરી જાય છે.

Monday, October 3, 2011

10/03/2011 (Monday) Gatha 21

ગાથા ૨૧ પાનું ૧૦૭-૧૦૮ ૧૦/૦૩/૨૦૧૧

મિત્રા દ્રષ્ટિમાં 'અદ્વેષ' ના બે અપેક્ષાઓ:
  1. બીજા જીવો જે દેવ-ગુરુ-ધર્મના કાર્યાદિમાં ન વર્તતા હોય તો તેઓ પ્રત્યે દ્વેષ-મત્સર ઉપજતો નથી. ઉપેક્ષાવૃતિ હોય છે. પણ ઘૃણા-તિરસ્કાર કે અપમાનાત્મક બુદ્ધિ થતી નથી. માત્સર્યભાવ એ દ્વેષાત્મકવીર્ય પ્રગટ થવાનું બીજ છે, તે સતામાં હોવાથી ઉદયમાં આવી શકે તેમ છે, તો પણ તત્વવેદી હોવાના કારણે, તેનો ઉપશમ કરવાથી, 'મારું હિત-કલ્યાણ શામાં છે?' એટલા તત્વભુત અનુષ્ઠાન માત્રને જ આશ્રયીને પોતાનું હિત કરે તેવા કાર્યમાં આશય લગાવે છે. પરના અદેવ-ગુરુ કર્યાદિ તરફ નજર નાખતો નથી. કુત્સિત દેવ-ગુરુના કાર્યમાં પ્રવર્તતા પરજીવો ઉપર કરુણાજ ઉછળે છે. તેઓનું પણ કલ્યાણ થાઓ એવી ભાવના ભાવે છે.
  2. આ જીવ અનાદિકાળથી ઓઘદ્રષ્ટિવાળો અને ગાઢ મિથ્યાત્વના ઉદયવાળો હતો, તેથી દેવ-ગુરુની ભક્તિ આદિ કાર્યમાં તેને ઘણો જ દ્વેષ હતો, ગુસ્સો આવતો અને આ જીવ તે કાર્ય કરવાના અવસરમાંથી ભાગી જતો હતો, તેને બદલે યોગદ્રષ્ટિ શરુ થવાથી, અને મિથ્યાત્વ મંદ થવાથી હવેથી દેવ-ગુરુની સેવા-ભક્તિના કાર્યમાં દ્વેષ થતો નથી, પરંતુ અદ્વેષ થાય છે.

એટલે, મિત્રદ્રષ્ટિમાં આવેલા જીવને ધર્મના કાર્યોમાં અદ્વેષ હોય છે, અને બીજા આત્માઓ ધર્મના કાર્યો ન કરનારા હોય તેના ઉપર પણ અદ્વેષ હોય છે.

(અણસમજણ થી જીનાજ્ઞા વિરુદ્ધ કઈ લખાય ગયું હોઈ તો મિચ્છામિ દુક્કડમ)